બીજ
બીજ
જમીનમાંથી
બે હાથ જોડીને
બહાર આવે છે.
પહેલાં બે પાન —
નમસ્કારની મુદ્રામાં.
પછી
ધીમે ધીમે
હાથ છૂટા પડે છે,
ડાળીઓ ફેલાય છે,
ઝાડ
આકાશ સુધી
હાથ લંબાવે છે.
ને છેવટે
ફળથી લચીને
પાછું
નીચે નમે છે.
આખી જિંદગીનો
પાઠ
એક જ ઝાડ
ભણાવી દે છે:
નમીને આવવું,
ફેલાઈને જીવવું,
ને આપતી વખતે
પાછું નમી જવું.
– પરાગ રતનપરા