બે કપ
દર સાંજે
છ વાગ્યે
એ બે કપ ચા બનાવે છે.
એક પોતાનો,
એક
ઝૂલા પરની ખાલી જગ્યાનો.
પહેલો કપ
ગરમ ગરમ પી લે છે,
બીજો
ઠંડો થવા દે છે —
એને ગરમ ચા ક્યાં ભાવતી હતી?
પડોશીઓ કહે છે:
‘કાકા, હવે છોડો,
ત્રણ વરસ થયાં.’
કાકા હસે છે:
‘ત્રણ નહીં, બેટા,
બાવન વરસ થયાં…
ને હજી
ખાંડ કેટલી નાખવી
એ એને પૂછ્યા વગર
નક્કી નથી થતું.’
સવારે
ઠંડો કપ
ખાલી મળે છે.
કોણ પીએ છે,
એ ચા જાણે
ને ઝૂલો.
– પરાગ રતનપરા