બપોર
આભથી અંગાર વરસે, આ ધરા પણ લાલ છે,
ઝાડ નીચે છાંયડો પણ આજ તો બેહાલ છે.
ખેતરે છે ખેડુ ઊભો તાપમાં ખુલ્લા શિરે,
સ્વેદની છે પાઘડી ને ધૈર્યની એ ઢાલ છે.
ઠંડકે બેસી કચેરીમાં કહે સાહેબ, ‘ભાઈ,
લૂ નથી, એ તો તમારો માનસિક બસ ખ્યાલ છે!’
લીમડાની છાંય, માટીના ઘડાનું શીત જળ,
ગામનો આ રંક પણ તો આમ માલામાલ છે.
આ પરાગે આશની ઓઢી ગઝલ ને રાહ જોઈ,
સૂર્ય આથમશે, પછી તો ચાંદનીની ચાલ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉનાળો #બપોર #ખેડૂત #ગામડું #પરાગરતનપરા
#GujaratiGhazal #Summer #ScorchingNoon #Farmer #VillageLife #ParagRatanpara