બચપણની શેરી
ક્યાં ગઈ મારી બચપણની શેરી, ક્યાં ગયો ભેરુનો સાદ?
લખોટીના ટોળે ટોળે ખોવાયો એક અવસાદ.
ગિલ્લી-ડંડે ભાગી’તી બારી, બા’એ ખેંચ્યો કાન,
આંબલીના ઝાડે ચડીને ભૂલ્યા’તા ભૂખ ને ભાન;
કાગળની હોડીમાં બેસી ફરતો’તો વરસાદ…
ક્યાં ગઈ મારી…
ભેરુ ગયો અમેરિકા, ને બીજો ગયો આકાશે,
ત્રીજો બેઠો ઑફિસમાં, પણ મળતો નથી પાસે;
ચોથો હું, તે શોધું છું, ક્યાં છે પેલો આહ્લાદ?
ક્યાં ગઈ મારી…
પરાગ કહે: આ ખિસ્સાં ભર્યાં, પણ મૂઠી ખાલી થઈ,
લખોટી એક હજી પડી છે, ઉંમર ચાલી ગઈ;
રમવા આવો, ભેરુ, મારો આ છેલ્લો છે સાદ…
ક્યાં ગઈ મારી…
– પરાગ રતનપરા