બારમાસી
બાર મહિના, બાર ઘડૂલા, ભરી ભરી ખાલી થાય,
સાજન, તારી વાટમાં મારું વરસ વહી વહી જાય.
કારતકે દીવા ઓલવાયા, માગશરે હિમ પડ્યું,
પોષે તાપણે બેઠી'તી, ને માહ મહીંથી સરક્યું;
ફાગણ આવ્યો કેસૂડે, પણ રંગ ન ચડ્યો કાંઈ —
બાર મહિના, બાર ઘડૂલા, ભરી ભરી ખાલી થાય.
ચૈતરમાં ચોપાટ રમી ને વૈશાખે ઝળહળ તાપ,
જેઠે ખેતર ધખધખ બળતાં, આષાઢે ગડગડ સાદ;
શ્રાવણ-ભાદરવો તો આંસુ, આંખ્યું ભીની થાય —
બાર મહિના, બાર ઘડૂલા, ભરી ભરી ખાલી થાય.
પરાગ કહે: આસો આવ્યો, ને દીવા ફરી ઝગ્યા,
તું આવ્યો તો બારે મહિના એક પળમાં જાગ્યા;
સાજન, તારું આવવું, એ જ મારી દિવાળી થાય —
બાર મહિના, બાર ઘડૂલા, ભરી ભરી ખાલી થાય.
– પરાગ રતનપરા