બારાખડી
એ રોજ રાતે
અજાણ્યા હાથોની
બારાખડી ઘૂંટે છે —
ક, ખ, ગ…
દરેક અક્ષર ખરબચડો,
દરેક અક્ષર ઉતાવળો.
સવારે
અરીસા સામે બેસી
કાજળ આંજે છે
જાણે
રાતના બધા અક્ષરો
આંખના ખૂણે ભૂંસી નાખતી હોય.
દીકરી નિશાળેથી આવી
પાટી ધરે છે:
‘મા, આ ‘મ’ કેમ લખાય?’
ને એ
પહેલી વાર
ધ્રૂજતા હાથે
એક અક્ષર લખે છે
જે કોઈએ
ખરીદ્યો નથી.
– પરાગ રતનપરા