← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાપુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક પોતડીવાળો ફકીર, ને લાકડી એના હાથ,
ખાલી પગલે ચાલ્યો, ને ચાલ્યો આખો દેશ સાથ.

ના તલવાર, ના તોપ-ગોળા, ના કોઈ રાજનું માન,
સત્ય-અહિંસાની ઢાલ ધરી, ને ઝૂક્યું ગોરું તોફાન;
મુઠ્ઠી મીઠું ઉપાડ્યું, ને ધ્રૂજી ગયો ગોરો નાથ…
એક પોતડીવાળો…

આજ એના ફોટા પાછળ ચાલે ખોટા કામ,
નોટ ઉપર છાપ્યો બાપુ, ને વેચાય એનું નામ;
ચરખો ગયો મ્યુઝિયમમાં, ને ખાદી ફૅશન-સાથ…
એક પોતડીવાળો…

પરાગ કહે: બાપુ તો છે ભીતરનો એક અવાજ,
સાચું બોલો, સાદું જીવો, એ જ એનું રાજ;
કોઈ ગરીબનાં આંસુ લૂછો, એ જ બાપુનો હાથ…
એક પોતડીવાળો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરખડું રેઆગલો લેખ →દૂર છે