બાની તિથિ
આજે બાની તિથિ રે, આંગણ દીવો મેલ્યો,
ખીર બનાવી, પણ કોઈ ના બોલ્યું: ‘લે, દીકરા, પહેલો.’
ખાટલે એની સાડી મૂકી, ચશ્માં મૂક્યાં ગોખે,
માળાના મણકા હજી જાણે એના નામે રોકે;
કાગડો આવી બેઠો મોભે, લાગે એનો હેલો.
આજે બાની તિથિ…
સવારે ઊઠું તો લાગે, રસોડે વાસણ ખખડે,
‘ઊઠ હવે, નિશાળે જાવું’ — એવો સાદ ઝબૂકે;
ભ્રમ છે, એ હું જાણું, તોયે હૈયું થાય ઘેલો.
આજે બાની તિથિ…
પરાગ કહે: મા જાતી નથી, એ તો ભળે રે લોહીમાં,
એની હૂંફ ને એનો ઠપકો ગૂંજે રોમે રોમમાં;
મારી દીકરી હસે, ત્યાં જાણે બાનો ઝબકે ચહેરો.
આજે બાની તિથિ…
– પરાગ રતનપરા