બાની નિશાળ
ચોપડીઓમાં શું શીખ્યો હું? બાની નિશાળે શીખ્યો,
કડવું ગળીને મીઠું બોલવું, બાની નિશાળે શીખ્યો.
થાળીમાં છેલ્લો રોટલો હોય તો પહેલાં બીજાને દેવો,
ખિસ્સું ખાલી, તોય ઘરઆંગણે આવે એનો ભાવ લેવો;
ઓછામાં પણ પૂરું કરવું, બાની નિશાળે શીખ્યો…
ચોપડીઓમાં…
ફાટેલા કપડાને થીગડું, તૂટેલા મનને ટેકો,
વાંક ભલે ને હોય બીજાનો, તોય માથું નમાવી દેખો;
રાતે રડવું, સવારે હસવું, બાની નિશાળે શીખ્યો…
ચોપડીઓમાં…
પરાગ કહે: આ ડિગ્રી મારી ભીંત ઉપર લટકે છે,
પણ બાનું ભણતર મારા લોહીમાં રોજ ધબકે છે;
ઈશ્વર પણ ગણવો મા જેવો, બાની નિશાળે શીખ્યો…
ચોપડીઓમાં…
– પરાગ રતનપરા