બાકી છે
ભલે આ દીપ ઓલાયો, હજી અજવાસ બાકી છે,
ભલે ઘર ભીંત તૂટી, પણ હજી વિશ્વાસ બાકી છે.
ધરા ફાટી, તરસ ઊંડી, સુકાયાં ખેત ને કૂવા,
છતાં ખેડૂતની આંખે સપનનો ચાસ બાકી છે.
ગઝલ લખવા ઘણું બેઠો, ન આવી એક પણ લીટી,
કલમની ટોચમાં તોયે જરા ભીનાશ બાકી છે.
ગયા નેતા ચરી ગોચર, ચરી ખેતર, ચરી જંગલ,
પ્રજા માટે હવે તો ઠૂંઠ ને બસ ઘાસ બાકી છે.
ખરી ગઈ પાંખડી સઘળી, પરાગે તોય જાણ્યું કે
હવામાં મ્હેકનો કાયમ જરા સહવાસ બાકી છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #વિશ્વાસ #ખેડૂત #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #Faith #FarmersDream #PoliticalSatire #ParagRatanpara