← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાજરાનું ખેતર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સોનેરી તડકો ઊતર્યો રે, મારા બાજરિયાને ડૂંડે,
ઝૂમી ઊઠી ખેતરની ધરતી, જાણે ગોરી ગરબે ઘૂમે.

પોપટ આવ્યા ટોળે ટોળે, ડૂંડાં ચાખે લીલાં,
ગોફણ લઈને દીકરી ઊભી, ગાતી ગીત રસીલાં;
ખેડુ બાપની આંખો હરખે, ને પરસેવો ચૂમે…
સોનેરી તડકો ઊતર્યો રે…

ભાતું લઈને ભાભી આવી, રોટલો, છાશ ને મરચું,
લીમડા હેઠળ ભાતું છોડ્યું, મનડું થયું રે ઝરણું;
પાંદડાંની વાંસળી વાગે, પવન આવીને ઝૂમે…
સોનેરી તડકો ઊતર્યો રે…

પરાગ કહે: આ ખેતર નથી, આ તો માનો ખોળો,
દાણે દાણે લખ્યું છે નામ, ભરજો સૌ કોઈ ઝોળો;
જેણે વાવ્યું, તેને પહેલાં, ઈશ્વર પણ આવી ચૂમે…
સોનેરી તડકો ઊતર્યો રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆહા!આગલો લેખ →રસ્તા ઉપર