અધૂરું છે
હતું જે ગીત બાના હોઠ પર, ગાણું અધૂરું છે,
હજી સૂરજ નથી ઊગ્યો, હજી વ્હાણું અધૂરું છે.
તિજોરી ફાટ-ફાટે છે, ધરાતો ના કદી શેઠ જ,
કહે મરતાં સુધી: ‘મારું, હજી નાણું અધૂરું છે’.
દિવાળીએ ન આવ્યો, ત્યાં વિદેશે દીકરો મારો,
બધાં બેઠાં, થયું સઘળું, છતાં ભાણું અધૂરું છે.
તમે આવ્યાં, તમે ચાલ્યાં, અને વાતો રહી મનમાં,
મિલન પૂરું થયું, તોયે મિલન-ટાણું અધૂરું છે.
‘પરાગે’ મ્હેક થઈને વાટ પકડી છે ખુશીથી, પણ
હવામાં છે, છતાં એનું ય ઠેકાણું અધૂરું છે.
– પરાગ રતનપરા
#ગઝલ #અધૂરપ #પ્રતીક્ષા #લોભ #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Incompleteness #Longing #Greed #UnfinishedSong #ParagRatanpara