← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવજે મારી પાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંગણે મેં તો તુલસી રોપી, ઉંબરે રોપી આશ,
વહાલમ, વેળા વહી ન જાય, આવજે મારી પાસ.

ચૈતરનાં ચાંદરણાં વીત્યાં, વીત્યો વૈશાખી તાપ,
ઝાંઝર મારાં મૂંગાં બેઠાં, ભૂલ્યાં રણકો આપ;
ડેલીએ બેસી ગણતી રહી હું તારલિયાની રાશ…
વહાલમ, વેળા વહી ન જાય…

આંબે આવ્યા મોર ને ખરિયા, આવી ને ગઈ કેરી,
કોયલ ટહુકી ટહુકી થાકી, ઓઢી ચુપની શેરી;
ખરતાં પાને પાને લખિયો મેં તો તારો વિશ્વાસ…
વહાલમ, વેળા વહી ન જાય…

પરાગ કહે: આ પ્રીતની વેળા પાણીનો પરપોટો,
આજે ઝળહળ, કાલે ફૂટે, પછી ન મળશે જોટો;
ફૂલ કરમાયે પહેલાં આવી લઈ જા મીઠી સુવાસ…
વહાલમ, વેળા વહી ન જાય, આવજે મારી પાસ.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકહે છે સૌઆગલો લેખ →ન આવ્યા