← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આપમેળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપમેળે વહે તે પાણી, ભાઈ, આપમેળે ઊગે ઘાસ,
તાણી બાંધ્યું ટકે નહીં, એનો ના કરજે વિશ્વાસ.

ફૂલને કોણે શીખવ્યું ખીલવું, ઝરણાંને કોણે ગાવું?
બાળકને કોણે શીખવ્યું, ભાઈ, મા ભાળીને મલકાવું?
વગર ભણ્યે જે આવડે, એ જ સાચો રે અભ્યાસ…
આપમેળે વહે તે પાણી…

મંદિરમાં તેં ઘંટ વગાડ્યા, ગણી ગણીને માળા,
મન તો ભટક્યું હાટ-બજારે, ખોલી ખોલી તાળાં;
એક નિસાસો સાચો નીકળ્યો, ત્યાં જ પ્રભુનો વાસ…
આપમેળે વહે તે પાણી…

પરાગ કહે: જો ફૂલ ખીલે તો વગર કહ્યે એ મ્હેકે,
ઢોલ પીટીને કહેવું ન પડે, પવન જ સૌને કહે કે;
અંદરથી ઊગે તે સોનું, બાકી પીતળ-આભાસ…
આપમેળે વહે તે પાણી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસરનામુંઆગલો લેખ →અધૂરી