આંખની ભાષા
વાત કહું તો વાત વેડફાય, ને મૌન રહું તો મૂંઝારો,
સાનમાં સમજો તો સમજો, સાજન, આંખનો આ અણસારો.
પાણી ભરવા પનઘટ જાઉં, બેડું છલકે અડધું,
તમે જુઓ ને હું શરમાઉં, મનડું થાય રે ગડબડું;
ગાગર ભીની, ચૂંદડી ભીની, ભીનો મારો ઉચ્ચારો…
સાનમાં સમજો…
મેંદી મૂકી હથેળીએ, મેં નામ લખ્યું ત્યાં છાનું,
સખીઓ પૂછે ‘કોનું?’ તો હું ધરું બહાનું નાનું;
કંગન ખણકે, ઝાંઝર રણકે, એ જ સાચો ઉતારો…
સાનમાં સમજો…
પરાગ કહે: જે પ્રીતને શબ્દોની ઘોડી જોઈએ,
એ પ્રીત તો અધવચ્ચે અટકે, એવી શીદ ને જોઈએ?
આંખ્યુંએ આંખ્યુંને કીધું — બાકી બધો પસારો…
સાનમાં સમજો…
– પરાગ રતનપરા