આગની કેડી
પગ બળે તો બળવા દે, તું ડગ ના પાછું વાળ,
સૂરજ સામે છાતી કાઢી ચાલ, ઓ મારા લાલ.
ઉનાળાની લૂ ફૂંકાતી, ધરતી ધગધગ બળતી,
પાણીની એક ઝાંખી આશા ઝાંઝવાં થઈને છળતી;
પરસેવે ને લોહી વડે તું લખજે તારો ભાલ…
પગ બળે તો…
આંસુ ઢાળી બેસવું નહીં, ને હાથ ન જોડવા કોઈ,
ઠોકર ખાઈને ઊઠવું, ભલે ગયું હો બધુંય ખોઈ;
દીવો ઓલવાય તો ઓલવાય, તું સૂરજ થઈને બાળ…
પગ બળે તો…
પરાગ કહે: આ કેડી ઉપર ફૂલ કોઈ નથી વેર્યાં,
જેણે પગમાં ફોલ્લા વેઠ્યા, એણે જ મુગટ પહેર્યા;
રાખમાંથી ઊઠે એ જ, જે ઝીલે આગની ઝાળ…
પગ બળે તો…
– પરાગ રતનપરા