← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વ્યવહાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લગ્નમાં
એણે એકસો એક આપ્યા હતા,
એટલે આપણે
એકસો એક જ આપવાના.

મરણમાં
એ નહોતા આવ્યા,
એટલે આપણે ય
નહીં જઈએ.

બાળકના જન્મે
એમણે મીઠાઈનું બૉક્સ મોકલ્યું’તું,
એટલે આપણે
એવું જ, એટલું જ.

એક દિવસ
હું ડાયરીનું એ પાનું ફાડી નાખું છું,
જેમાં સૌના હિસાબ લખ્યા છે.

મા કહે છે:
‘આ શું કર્યું? વ્યવહાર તો રાખવો પડે.’
હું કહું છું:
‘મા, વ્યવહાર રાખ્યો,
એમાં સંબંધ ક્યાંક ખોવાઈ ગયો.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભીંજાય છેઆગલો લેખ →રાખડીનો તાર