વીજળી ગઈ
રાતે નવ વાગ્યે
આખી સોસાયટીની
વીજળી ગઈ.
ટીવી ચૂપ.
વાઇ-ફાઇ ચૂપ.
એ.સી. ચૂપ.
ઘરના ચાર જણ
પહેલી વાર
એક જ ઓરડામાં
એક જ મીણબત્તીની આસપાસ
ભેગા થયા.
દીકરાએ પૂછ્યું:
‘પપ્પા, તમે નાના હતા ત્યારે શું કરતા?’
પપ્પાએ
ગામની નદી,
મામાનું ઘર,
અને
ચોરીને ખાધેલી કેરીઓની
વાત માંડી.
દીકરી
મમ્મીના ખોળામાં ઊંઘી ગઈ.
સાડા દસે
વીજળી પાછી આવી.
બધાએ
એક સાથે
‘ઓહ…’ કહ્યું —
જાણે
કોઈ સરસ સપનું
અધવચ્ચે તૂટ્યું હોય.
– પરાગ રતનપરા