વેચાયેલું ઘર
હતું જે બાળપણનું ઘર, સકળ એ ધામ વેચાયું,
ઝરૂખો, હીંચકો, ખીંટી, અને સૌ ઠામ વેચાયું.
હજી કક્કો હતો ભીંતે, લખેલો ચૉકથી મારો,
નવો ચૂનો થયો, ને સાથ મારું નામ વેચાયું.
મઢેલું આભલે તોરણ, હતું બાએ સજાવેલું,
ઉતાર્યું એ ય, ને બાનું ભરતનું કામ વેચાયું.
ફળીનો લીમડો કડવો, છતાં છાંયો હતો મીઠો,
વધેરાયો, અને એની ઘટાનું ગામ વેચાયું.
પરાગે દસ્તખત કીધા, કલમ ધ્રૂજી, પછી લાગ્યું,
ગયું બચપણ, ગયાં સપનાં, બધું બસ આમ વેચાયું.
– પરાગ રતનપરા
#ગઝલ #બાળપણનુંઘર #સ્મૃતિ #વિદાય #ગૃહવિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #ChildhoodHome #Nostalgia #LettingGo #Memories #ParagRatanpara