વસવું ગમે
ના મ્હેલમાં, ના સ્વર્ગમાં, સંસારમાં વસવું ગમે,
ઝાંઝર બની ગોરી પગે ઝણકારમાં વસવું ગમે.
સૂરજ થવું મારે નથી, ના ચાંદ થઈ ચમકું ભલે,
દીવો બની નાના ઘરે અંધારમાં વસવું ગમે.
ઘરડાં થયાં મા-બાપ તો, ધ્રૂજે હવે એનાં ચરણ,
ટેકો બની એના સદા આધારમાં વસવું ગમે.
ખુરશી મળે તો લોક સૌ ઝૂકે, સલામો પણ ભરે,
મુજને ફકીરી ઠીક, કો’ દિલદારમાં વસવું ગમે.
ઊડી પરાગે ફૂલથી, ભમરા કને, વગડા સુધી,
આખર મને માટી તણા સૌ પ્યારમાં વસવું ગમે.
– પરાગ રતનપરા
#ગઝલ #સાદગી #પ્રેમ #માનવતા #સંસાર #પરાગરતનપરા
#GujaratiGhazal #LivingInHearts #SimpleLife #Love #Humanity #ParagRatanpara