વર્ષો પછી કવિતા
વર્ષો પછી
આજે
કવિતા લખવા બેઠો.
કલમ
ખાનામાં
કટાઈ ગઈ હતી,
શાહી
થીજી ગઈ હતી,
ને મન
હિસાબોની ડાયરી બની ગયું હતું.
પહેલી લીટીમાં
‘ઇએમઆઈ’ આવ્યું,
બીજીમાં
‘મીટિંગ’,
ત્રીજીમાં
દીકરાની ‘ફી’.
હું
કાગળ ફાડવા જતો હતો
ત્યાં
બારીમાંથી
એક ચકલી આવી
ને મેજ પર બેસી ગઈ.
એણે
ચીં… કહ્યું.
બસ,
એ જ
મારી કવિતાની
પહેલી લીટી બની,
ને બાકીનું મૌન
વર્ષોની
જાહોજલાલી થઈને
કાગળ પર
ઊતરી આવ્યું.
– પરાગ રતનપરા