વાસણ
રાતે અગિયાર વાગ્યે
સિંકમાં
દિવસભરનાં વાસણ
મારી રાહ જુએ છે.
દૂધની તપેલીના તળિયે
સવારની ઉતાવળ
ચોંટી ગઈ છે.
દાળની વાટકીમાં
બપોરનો થાક,
ને ચાના કપમાં
સાંજની એક અધૂરી વાત.
હું ધીમે ધીમે
એક એક વાસણ ઘસું છું.
પાણી વહે છે,
સાબુનાં ફીણ ફૂટે છે,
ને વિચારો
ગટરમાં ઊતરી જાય છે.
છેલ્લી કડાઈ
ઊંધી વાળીને મૂકું ત્યારે
લાગે છે —
આખો દિવસ
ચોખ્ખો થઈને
ઓટલે સુકાય છે.
– પરાગ રતનપરા