← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાદળીએ પહેલાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

— ૧ —

વાદળીએ પહેલાં
ધરતીને પૂછ્યું નહોતું,
બસ, વરસી પડી.

ધરતીએ પણ
ધન્યવાદ ન કહ્યો,
બસ, લીલી થઈ ગઈ.

પ્રેમમાં
આટલી જ ભાષા
પૂરતી છે.

— ૨ —

વાદળી
ખાલી થઈને
આકાશમાં પાછી ફરી,
તો સૂરજે પૂછ્યું,
‘શું લાવી?’

વાદળી બોલી,
‘કશું નહીં —
એક ખેડુનું સ્મિત,
એક બાળકનું છબછબિયું,
ને મોરનો ટહુકો.’

સૂરજ
ઘડીક ચૂપ રહ્યો,
પછી
સાત રંગ
એના ખોળામાં મૂકી દીધા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરાહદારીઆગલો લેખ →શાં શાં રૂપ વખાણું