ઉદાસી
હવે આ ઘરે છે નિરંતર ઉદાસી,
અહીં આંગણે છે સમંદર ઉદાસી.
વળાવી અમે લાડલીને, પછી તો
ઝરૂખે હવે છે ઉજાગર ઉદાસી.
પિતાજી ગયા, તોય ખુરશી પડી છે,
બિરાજે હવે ત્યાં બરાબર ઉદાસી.
હસે સૌ સભામાં, ગળે પણ મળે, પણ
છુપાવી ફરે છે ઘરોઘર ઉદાસી.
પરાગે ગઝલમાં ઉતારી, પછી તો
બની ફૂલ જેવી મનોહર ઉદાસી.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉદાસી #દીકરીનીવિદાય #પિતા #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sadness #DaughtersFarewell #MissingFather #Grief #ParagRatanpara