← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું નથી ત્યારે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું નથી ત્યારે
હજી ચા
બે કપ જેટલી જ બને છે.

એક કપ હું પીઉં છું,
બીજો
ટેબલ પર
ઠરતો રહે છે —
જાણે તારી રાહ જોતાં જોતાં
એ પણ થાકી ગયો હોય.

છાપું
હજી બે ભાગમાં વહેંચાય છે —
પહેલું પાનું મારું,
છેલ્લું પાનું
કોઈ વાંચતું નથી.

રાતે
પલંગની તારી બાજુ
હું ચોળતો નથી,
જેથી
ઓશીકા પરનો ખાડો
થોડો વધુ દિવસ
તારા માથાનો આકાર
યાદ રાખે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાચની માછલીઆગલો લેખ →કોરો કાગળ