તું ન હોત તો
મા,
તું ન હોત તો?
તો કદાચ
હું હોત —
પણ
હું આવો ન હોત.
મારી ભૂલો હોત,
પણ એમને
માફ કરનારી આંખ ન હોત.
મારી ભૂખ હોત,
પણ ‘તેં ખાધું?’
પૂછનારો અવાજ ન હોત.
મારી હાર હોત,
પણ હાર્યા પછી
માથે ફરતો હાથ ન હોત.
દુનિયા કહે છે
હું મારા પગ પર ઊભો છું.
એ ખબર નથી એમને —
આ પગ
આજે પણ
તારા ખોળામાંથી જ
ઊભા થાય છે.
– પરાગ રતનપરા