← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું ક્યાં હતો?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘંટ, દીવા, ધૂપ, ઝાલર ને ધજા — તું ક્યાં હતો?
ગામ, વન ને ઘોર જંગલની ગુફા — તું ક્યાં હતો?

એક ભૂખ્યા બાળને મેં રોટલી દીધી, અને
એ ક્ષણે મલકાટમાં તું — એ સિવા તું ક્યાં હતો?

આંખમાં માની હતો તું, બાપના ખભ્ભે હતો,
હું ગયો આકાશ ખૂંદી — ત્યાં, ખુદા, તું ક્યાં હતો?

પાંચસોની પાવતીથી ‘ખાસ’ દર્શન થઈ ગયાં,
બ્હાર બેઠો રંક પૂછે: ‘ફી વિના તું ક્યાં હતો?’

આ પરાગે આયનામાં આંખ ભીની જોઈ મેં,
ત્યાં થયું કે આ નજરથી તો જુદા તું ક્યાં હતો?

– પરાગ રતનપરા

#ગઝલ #ઈશ્વર #અધ્યાત્મ #માનવતા #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #SearchingGod #Spirituality #Humanity #DivineWithin #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતાનપૂરોઆગલો લેખ →વિદાય