ત્રીસમી જાન્યુઆરી
ત્રીસમી જાન્યુઆરી.
પ્રાર્થનાસભાનો સમય.
એક લાકડી
જમીન પર પડી,
ને આખા દેશના
ઘૂંટણ ધ્રૂજી ગયા.
ચશ્માં
ઘાસ પર ઊંધાં પડ્યાં હતાં —
જાણે હજી
કંઈક જોઈ રહ્યાં હોય.
ચરખો
એ સાંજે
અધૂરા તાર સાથે
અટકી ગયો.
આજે
નોટ પર એમનો ફોટો છે,
ભીંત પર એમનો હાર છે,
ભાષણમાં એમનું નામ છે.
બસ,
ચરખો હજી
એ જ અધૂરા તાર સાથે
કોઈની રાહ જુએ છે.
– પરાગ રતનપરા