ત્રીજી વાર
રાતે સૂતાં પહેલાં
દીકરીએ એ જ ચોપડી ત્રીજી વાર પકડાવી —
ચાંદ પર ચડી જતા ઉંદરની વાર્તા.
થાકેલો હું
એક પાનું ગુપચાવી ગયો,
એક વાક્ય ટૂંકું કરી નાખ્યું.
એણે આંખો મીંચેલી જ રાખીને કહ્યું:
‘પપ્પા, અહીં ઉંદર છીંક ખાય છે,
તમે છીંક ભૂલી ગયા.’
મને ખબર પડી —
એને વાર્તા યાદ નથી,
એને મારો અવાજ યાદ છે;
ક્યાં અટકું છું, ક્યાં હસું છું,
ક્યાં ધીમો પડું છું — બધું.
ત્યારથી હું એકેય પાનું છોડતો નથી.
કોણ જાણે,
કોઈ રાતે ઘરડો થઈને
હું જ પથારીમાં પડ્યો હોઈશ,
ને એ જ ચોપડી લઈ એ બેઠી હશે —
ત્યારે ઉંદરની છીંક
મારે સાંભળવી છે.
– પરાગ રતનપરા