ત્રણ અધૂરાં વાક્ય
મેં લખ્યું:
‘કેમ છે?’
બે ભૂરી ટિક
થઈ ગઈ.
પછી કશું નહીં.
હું રાહ જોતો રહ્યો.
‘ટાઇપિંગ…’
આવ્યું ને ગયું —
ત્રણ વાર.
ત્રણ વાર
તું કંઈક કહેવા આવી
ને પાછી વળી ગઈ.
જવાબ નથી આવ્યો,
પણ મને મળી ગયો:
ત્રણ અધૂરાં વાક્યોનો
એક આખો પત્ર.
– પરાગ રતનપરા