તિલકનો હિસાબ
શેઠે તિલક તાણ્યું
કપાળ ભરીને —
એટલું પહોળું
કે ભગવાનને પણ
નીચે ઊતરવા
સીડી જોઈએ.
માળા ફેરવી
એકસો આઠ વાર,
આંગળીએ ગણ્યા મણકા,
ને મનમાં ગણ્યા
ઉઘરાણીના દિવસ.
મંદિરે ઘી ચડાવ્યું
પાંચ કિલો,
દુકાને વેચ્યું
પચાસ કિલો —
અડધું ઘી, અડધી ચરબી.
સાંજે આરતીમાં
ઘંટ વગાડ્યો જોરથી,
જેથી અંદરનો અવાજ
સંભળાય નહીં.
ભગવાન તો મૂર્તિમાં
મરક મરક હસે છે —
એને ખબર છે,
ત્રેપન વર્ષનું તિલક
એક જ ટીપા પરસેવાથી
ભૂંસાઈ જાય છે.
– પરાગ રતનપરા