થોડું થોડું મરવું
એ
રોજ થોડી થોડી
મરતી હતી —
એના માટે.
સવારે
એની ચામાં
ખાંડ નાખતાં
પોતાની મીઠાશ
થોડી ઓછી કરી દેતી.
બપોરે
એનાં કપડાંને
ઇસ્ત્રી કરતાં
પોતાની કરચલીઓ
ભૂલી જતી.
રાતે
એ નસકોરાં બોલાવતો
ત્યારે
પોતાની ઊંઘ
ધીમેથી
ઓશીકા નીચે
સરકાવી દેતી.
લોકો કહેતા:
‘કેટલી સુખી છે!’
એ પણ માનતી.
કારણ કે
પ્રેમમાં
થોડું થોડું મરવું
એ જ
એને
જીવવું લાગતું હતું.
– પરાગ રતનપરા