← મુખપૃષ્ઠ · સમાજ અને વ્યંગ

જે માણસ ડગતો નથી

૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬નિબંધ

**The Man Who Doesn't Flinch | જે માણસ ડગતો નથી**

પરાગ રતનપરા

સૌથી પહેલાં તો, નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. છોંતેર વર્ષ. આપણે ત્યાં આ ઉંમરે માણસ બે જ કામ કરે છે: સવારે બગીચામાં બેસીને સરકારને ગાળો આપે, અને સાંજે ટીવી સામે બેસીને ફરી સરકારને ગાળો આપે. આ માણસ એ ઉંમરે પોતે સરકાર ચલાવે છે. ફરક આટલો જ છે.

હવે જરા ઈમાનદારીથી વિચારીએ. આપણા ઘરમાં ચાર માણસ છે અને રાત્રે શું જમવું એમાં સર્વસંમતિ નથી થતી. સોસાયટીની મિટિંગમાં પાર્કિંગના એક ખાંચા માટે બે કાકા છ મહિના અબોલા રાખે છે. ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં "ગુડ મોર્નિંગ" ના ફોટા બાબતે ફુઆ રિસાઈને ગ્રુપ છોડી દે છે. અને અહીં એક માણસ લગભગ દોઢ અબજ લોકો, સેંકડો જ્ઞાતિઓ, ડઝનબંધ ભાષાઓ, ડઝનબંધ વિરોધ પક્ષો અને દરેક ચાની લારી પર બેઠેલા એક-એક અર્થશાસ્ત્રીને સાથે લઈને ચાલે છે. આ દેશમાં દરેક માણસ પાસે દેશ ચલાવવાનો પ્લાન છે, બસ પોતાનું ઘર ચલાવવાનો નથી.

એટલે સલામ તો બને છે.

પણ મને વિકાસના આંકડા કરતાં વધારે રસ એક બીજી વાતમાં છે. આ માણસની જીભમાં. આપણે એવી પ્રજા છીએ કે ટ્રાફિકમાં કોઈ હોર્ન મારે તો એની સાત પેઢી યાદ કરી લઈએ. લગ્નમાં વેવાઈ પક્ષે પનીરનું શાક ઓછું પડ્યું એ વાત પચ્ચીસ વર્ષે પણ ભૂલતા નથી. અને આ માણસને રોજ સવારે ઊઠતાંવેંત ગાળો, આક્ષેપો, કાર્ટૂન, મીમ, સંપાદકીય અને વિદેશી છાપાંના લેખ પીરસાય છે. છતાં ક્યારે બોલવું, કેટલું બોલવું અને ખાસ તો ક્યારે બિલકુલ ન બોલવું, એનો હિસાબ એની પાસે પાક્કો છે. આપણને ચૂપ રહેવું સજા લાગે છે. એને ચૂપ રહેવું હથિયાર લાગે છે. આખો ફરક અહીં છે.

તો આનું મૂળ ક્યાં? મારી દૃષ્ટિએ ત્રણ જગ્યાએ.

પહેલું, વડનગરનું રેલવે સ્ટેશન. જે છોકરાએ ચા વેચતાં વેચતાં લોકોનાં મોઢાં વાંચ્યાં હોય એને માણસ ઓળખતાં આવડી જાય. ચાની કીટલી દુનિયાની સૌથી સસ્તી અને સૌથી સચોટ સાયકોલોજી કોલેજ છે. ત્યાં ગ્રાહક ગુસ્સામાં હોય, ઉતાવળમાં હોય, ઉધારમાં હોય, અને તમારે તોય હસીને કપ આપવાનો હોય. અપમાન ગળી જવાની પ્રેક્ટિસ ત્યાંથી શરૂ થાય છે.

બીજું, સંઘના પ્રચારકનું જીવન. વર્ષો સુધી પોતાનું ઘર નહીં, પોતાનો સામાન નહીં, પોતાનું નામ નહીં. જે માણસ પાસે ગુમાવવા જેવું અંગત કંઈ રાખ્યું જ ન હોય એને ડરાવવો અઘરો છે. આપણો ડર આપણી EMI માં, આપણા "લોકો શું કહેશે" માં અને આપણા સાળાના અભિપ્રાયમાં રહે છે. એણે આ ત્રણેય ખાતાં બહુ વહેલાં બંધ કરી દીધાં.

ત્રીજું, અને સૌથી ઊંડું: લાંબી રમત રમવાની ધીરજ. મનોવિજ્ઞાનની ભાષામાં કહો તો delayed gratification અને emotional regulation. ગુજરાતી ભાષામાં કહો તો વેપારીનું મગજ: આજનો ગુસ્સો કાલના ચોપડે નુકસાન લખાવે. ટીકાનો જવાબ એ જીભથી નથી આપતો, સમયથી આપે છે. અને સમય, સાહેબ, બહુ ક્રૂર વકીલ છે.

હવે દબાણની વાત. ઘરમાં મીડિયા, જે રાત્રે નવ વાગ્યે અદાલત ભરે છે અને સાડા નવે ચુકાદો આપી દે છે. બહાર વોશિંગ્ટન, મોસ્કો, બેઇજિંગ, અને દરેકને ભારત પોતાની બાજુ જોઈએ છે. આપણે ત્યાં સાસુ અને પત્ની, બેને એકસાથે રાજી રાખનાર પુરુષને સમાજ સંત ગણે છે. અહીં તો એક જ માણસ એકબીજાનું મોઢું ન જોતા દેશો સાથે એક જ અઠવાડિયામાં ભેટી આવે છે અને કોઈ રિસાતું નથી. આને વિદેશનીતિ કહો કે ગુજરાતી વેપારીની જૂની આવડત: બધા ગ્રાહક સાચવવાના, કોઈનું ખાતું બંધ નહીં કરવાનું.

અને મજાની વાત એ છે કે એના કટ્ટર વિરોધીઓ પણ એને અવગણી નથી શકતા. આ દેશમાં સવારની ચા એના નામ વગર ઠંડી પડી જાય છે. વખાણ કરનારો પણ એની વાત કરે છે, વખોડનારો તો એનાથી બમણી કરે છે. જે માણસ વિશે દોઢ અબજ લોકો પાસે અભિપ્રાય હોય, અને એ માણસ પાસે દરેક અભિપ્રાયનો જવાબ આપવાનો સમય ન હોય, એ માણસ ખરેખર કામમાં હશે.

સાચું કહું તો મોદી એક કેસ સ્ટડી છે. નેતૃત્વનો ઓછો, સંયમનો વધારે. આપણે બધા એને સલાહ આપવા તૈયાર છીએ. પણ એક પ્રયોગ કરી જુઓ: આવતી કાલે ઓફિસમાં બોસ ખોટી રીતે ખખડાવે, ઘરે કોઈ ટોણો મારે, અને ગ્રુપમાં કોઈ તમારી મજાક ઉડાવે, ત્યારે ફક્ત ચોવીસ કલાક મોઢું બંધ રાખી જુઓ. સાંજ સુધીમાં સમજાઈ જશે કે પચ્ચીસ વર્ષ સત્તામાં રહેવું સહેલું હશે, પચ્ચીસ કલાક ચૂપ રહેવું અઘરું છે.

જન્મદિવસ મુબારક, સાહેબ. તમે દેશ સંભાળો. અમે ત્યાં સુધીમાં અમારી સોસાયટીનું પાર્કિંગ ઉકેલવાની કોશિશ કરીએ.

**સાચી પણ વિચિત્ર હકીકતો (Real but Weird Facts)**

- નરેન્દ્ર મોદી આઝાદી પછી જન્મેલા ભારતના પહેલા વડાપ્રધાન છે. એમની પહેલાંના બધા વડાપ્રધાન અંગ્રેજોના રાજમાં જન્મ્યા હતા.
- 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એ ધારાસભ્ય પણ નહોતા. પહેલાં ખુરશી મળી, ચૂંટણી પછી લડ્યા. અને ત્યારથી આજ સુધી પોતે લડેલી એક પણ ચૂંટણી હાર્યા નથી.
- એક RTI ના જવાબમાં વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન બન્યા પછી એમણે એક પણ રજા લીધી નથી. આપણે ત્યાં તો સોમવારે "તબિયત નરમ" વાળો મેસેજ રાષ્ટ્રીય પરંપરા છે.

પરાગ રતનપરા

If you like it, please share it.

#NarendraModi #Leadership #Resilience #IndianPolitics #નરેન્દ્રમોદી #સંયમ #નેતૃત્વ #ગુજરાતીનિબંધ

ચિંતનઆત્મચિંતન
← પહેલો લેખચમત્કાર: ભગવાનને નહીં, આપણને જોઈએ છેઆગલો લેખ →એક ગાંઠ અને એક તાડપત્રી: ભારતનો ઇતિહાસ બદલનારી બે 'ફાલતુ' ઘટના