થઈ ગયો
જે હતો મારો સગો, એ સાવ ખોટો થઈ ગયો,
સાથ જે માન્યો હતો, એ માત્ર ફોટો થઈ ગયો.
તીર્થનું પાવન ગણીને જે અમે પીધું હતું,
એ ય નળમાંથી ભરેલો એક લોટો થઈ ગયો.
હાથ ઝાલી શીખવેલું ચાલતાં જે બાળને,
એ જ મારો લાડલો તો ખૂબ મોટો થઈ ગયો.
શોધતાં થાક્યો ભલે, ના મિત્ર સાચો ક્યાંય પણ,
આયનામાં એકલો મારો જ જોટો થઈ ગયો.
ફૂલ તાજું શોધવાને ગ્યો બજારે, ઓ ‘પરાગ’,
ગંધનો ત્યાં તો બધે ભારે ય તોટો થઈ ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #સંબંધ #ભ્રમભંગ #એકલતા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Relationships #Disillusionment #Loneliness #Irony #ParagRatanpara