ટપકું
દાદીમા
જીવનભરમાં
એક જ શબ્દ લખતાં શીખ્યાં —
પોતાનું નામ.
બૅંકમાં સહી કરવા,
પેન્શનના કાગળ પર,
ને છેલ્લે
ઇસ્પિતાલના ફૉર્મ પર.
ધ્રૂજતા હાથે
દરેક અક્ષર
જાણે
ડુંગર ચડતો હોય.
એમના ગયા પછી
એ ફૉર્મ મળ્યું.
નામ નીચે
એક નાનું ટપકું હતું —
કલમ ત્યાં જ અટકી ગઈ હશે.
મને લાગ્યું,
એ ટપકું
આખા વેદ જેટલું ભારે છે.
– પરાગ રતનપરા