તકતી
મંદિરમાં નવી બૅન્ચ આવી.
ઉપર પિત્તળની ચળકતી તકતી:
‘સ્વર્ગસ્થ માતુશ્રીની પુણ્યસ્મૃતિમાં
શેઠશ્રી ધનસુખલાલ તરફથી
સપ્રેમ ભેટ.’
ભગવાનનું નામ
ગર્ભગૃહમાં,
ઘીના નાના દીવાને અજવાળે.
શેઠનું નામ
દરવાજે,
ટ્યૂબલાઇટના ઝગમગાટ નીચે.
સાંજે
ભગવાન ક્યારેક
ગર્ભગૃહમાંથી બહાર આવે છે,
થાકેલા પગ લંબાવીને
એ જ બૅન્ચ પર બેસે છે.
કોઈ એમને ઓળખતું નથી —
તકતી પર
એમનું નામ જ નથી.
– પરાગ રતનપરા