તડકો
શિયાળાની સવારે
તડકો
ઓસરીમાં આવીને
ઘરડી બિલાડીની જેમ
ગોટો વળીને બેસે છે.
દાદા
એની પાસે ખાટલો ખેંચે છે,
દાદી
અથાણાની બરણી મૂકે છે,
બા
વાળ સૂકવે છે,
ને હું
ચોપડી ખોલીને
ઊંઘી જાઉં છું.
બપોરે
એ ઊઠીને
ધીમે ધીમે ભીંત પર ચડે છે,
ને સાંજે
પીપળાની ટોચેથી કૂદીને
ક્યાંક જતો રહે છે.
હવે શહેરના ફ્લૅટમાં
તડકો
બારીના કાચ પર
ટકોરા મારે છે.
અંદર આવવા દેતું નથી
કોઈ —
પડદા
બહુ મોંઘા છે.
– પરાગ રતનપરા