← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટૅગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઇચ્છાઓ
મેં કબાટમાં ગોઠવી રાખી છે —
નવાં કપડાં જેવી,
હજી ટૅગ પણ નથી કાઢ્યું.

એક ઇચ્છા દરિયાકિનારે પહેરવાની હતી,
એક પહેલા પગારે,
એક દીકરીના લગનમાં,
અને એક તો બસ એમ જ —
કોઈ ભીની સાંજે.

દર દિવાળીએ કબાટ ઝાપટતાં
બા પૂછતી:
‘આ બધું ક્યારે પહેરીશ, ભાઈ?’
હું કહેતો:
‘પ્રસંગ આવે ત્યારે.’

આજે પ્રસંગ આવ્યો છે.
આખું ગામ ભેગું થયું છે.

અને મને
સાવ સફેદ, સીવ્યા વિનાનું
એક કપડું ઓઢાડ્યું છે —
જેના પર
કોઈ ટૅગ નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછૂટા શેર ૫૧–૬૫આગલો લેખ →કહે છે સૌ