સ્પર્શથી
આંખ ના, તોયે ગલી, ઘર, વૃક્ષ જાણું સ્પર્શથી,
ને સવારે હૂંફમાં પ્હેલું વહાણું સ્પર્શથી.
મા ગયાં, ના જોઈ'તી મેં, તે છતાં આજે ય હું
ગોદડીના ટાંકણે મા ને પિછાણું સ્પર્શથી.
ગામ સૂતું હોય ત્યારે હું ભજન ગાતો રહું,
એકતારે રાતભર હું સૂર તાણું સ્પર્શથી.
હાથ ઝાલ્યો'તો નદીએ એક સાંજે કોઈએ,
એ જ ક્ષણને આજ પણ હું રોજ માણું સ્પર્શથી.
આ પરાગે ફૂલ જોયાં ના કદી, તો યે હજી
મ્હેકનું હું રોજ ગાતો એક ગાણું સ્પર્શથી.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્પર્શ #પ્રજ્ઞાચક્ષુ #અનુભૂતિ #ભજન #પરાગરતનપરા
#GujaratiGhazal #Touch #BlindSinger #InnerVision #Feelings #ParagRatanpara