સંત્રી
જેલના દરવાજે
ઊભો છે સંત્રી —
હાથમાં બંદૂક,
ખભે સરકારી બિલ્લો.
અંદર
એના જ ગામનો ખેડૂત છે —
દેવું ન ભરી શક્યો,
જમીન માટે લડ્યો.
રાતપાળીમાં
સંત્રી સળિયા પાસે આવે છે,
ખિસ્સામાંથી
બાજરાનો એક રોટલો કાઢે છે,
માએ બાંધી આપેલો.
બેઉ ચૂપચાપ ખાય છે —
એક સળિયાની આ બાજુ,
એક પેલી બાજુ.
સવારે
સંત્રી ફરી ટટ્ટાર ઊભો રહે છે,
સરકારનો બિલ્લો ચમકે છે.
ને સળિયા
હજી નક્કી નથી કરી શક્યા
કે કેદી કોણ છે.
– પરાગ રતનપરા