સંકેત
વાળમાં આવી સફેદી, સાંજનો સંકેત છે,
તાર ઢીલા, તૂટતા એ સાજનો સંકેત છે.
દીકરો પૂછે નહીં, પણ હાથ પકડે દાદરે,
આ મમતની લાગણી કે રાજનો સંકેત છે?
બોલતો ઓછું, વધારે સાંભળું છું આજકાલ,
આ વિનય છે કે પછી કો લાજનો સંકેત છે?
માન, માળા, શાલ ઓઢાડી, વિદાયે સૌ ગયા,
શાલ શેની? એ ઉતરતા તાજનો સંકેત છે.
પાનખર આવી, પરાગે ફૂલને પૂછ્યું હસી;
‘એ ખરે છે તો નવા કો આજનો સંકેત છે.’
– પરાગ રતનપરા
#ગઝલ #ઘડપણ #નિવૃત્તિ #જીવનનીસાંજ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Aging #Retirement #EveningOfLife #SignsOfTime #ParagRatanpara