સપનામાં
તું
હવે સપનામાં જ મળે છે.
ત્યાં
તું હજી એ જ લીલી સાડીમાં છે,
હજી એ જ
ચા વધારે ખાંડવાળી બનાવે છે,
હજી એ જ
મારી ભૂલો પર
ખડખડાટ હસે છે.
સવારે
એલાર્મ વાગે છે,
ને હું
આંખો મીંચી રાખું છું —
થોડી વાર વધુ.
દીકરો પૂછે છે:
‘પપ્પા, તમે હજી સૂતા છો?’
હું કહું છું:
‘ના, બેટા,
હું તો
જાગતો જ હતો,
ફક્ત ઘેર ગયો હતો.’
– પરાગ રતનપરા