સાંજ
આખો દિવસ
આકાશની નિશાળે
ભણીને થાકેલો સૂરજ
સાંજે
ડુંગરની લસરપટ્ટી પરથી
સરરર… કરતો
નીચે સરકે છે.
નીચે
ધરતી
બે હાથ ફેલાવી ઊભી છે —
દીકરો પડી ન જાય.
આકાશ
લાલ ગુલાલ ઉડાડે છે,
પંખીઓ
તાળીઓ પાડતાં
માળા તરફ દોડે છે,
ને ગાયો
ધૂળ ઉડાડતી
ઘર ભણી.
ધરતીના ખોળામાં
સૂરજ ઊંઘી જાય ત્યારે
મા
આભ પર
તારાનું
ઝીણું ભરતકામ કરેલી
ચાદર ઓઢાડે છે.
– પરાગ રતનપરા