રોટલો
બાપુએ બાને
કદી ‘પ્રેમ કરું છું’ નથી કહ્યું.
બાએ પણ
કદી પૂછ્યું નથી.
પણ સવારે
બાપુ વાડીએ જાય
એ પહેલાં
બા ચૂલે
પહેલો રોટલો
થોડો વધારે શેકે —
બાપુને કડક ભાવે છે.
ને સાંજે
બાપુ પાછા આવે ત્યારે
ખિસ્સામાંથી
બે બોર કાઢે,
ચૂપચાપ બાની હથેળીમાં મૂકે —
બાને ખાટાં ભાવે છે.
પચાસ વરસ
આમ જ ચાલ્યું.
અમે ભણ્યા, શહેરમાં ગયા,
‘આઈ લવ યૂ’ શીખ્યા,
ને તોય
અમારા રોટલા
કાચા જ રહી ગયા.
– પરાગ રતનપરા