રોજ માળી માગશે
પ્રેમ પણ તુલસી સમો છે, રોજ માળી માગશે,
સાંજ ટાણે એક દીવો, એક થાળી માગશે.
નામ લખવાથી કદી ક્યાં થાય છે સગપણ નવું?
સ્પર્શ, મીઠી વાત ને ક્યારેક તાળી માગશે.
રૂસણાંની પાનખર પણ આવશે આ બાગમાં,
એ સમે થોડું નમે એવી જ ડાળી માગશે.
ઓરડા મોટા ભલે હો, ને ભલે ગાડી હશે,
પ્રેમ તો ઓટે મળીને સાંજ ગાળી માગશે.
જે વધે છે એ જ ખૂંચે, એ જ ખટકે આંખમાં,
પ્રેમ તો ખોબો ભરેલો, ચિત્ત ખાલી માગશે.
એ જ શરતે ફૂલ પણ ખીલી રહે છે, ઓ ‘પરાગ’,
રોજ ઝાકળ, રોજ તડકો, હાથ ઝાલી માગશે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સંબંધ #માવજત #તુલસી #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveNeedsCare #Relationships #Tenderness #DailyDevotion #ParagRatanpara