રમકડાં
માળિયાની ધૂળમાં બેઠાં ભુલાયાં રમકડાં,
બાળપણ લઈને ગયું ને સૌ છુપાયાં રમકડાં.
પૂર આવ્યું ગામમાં, ને ઝૂંપડાં ડૂબી ગયાં,
એક બાળકનાં પછી સઘળાં તણાયાં રમકડાં.
લાલ ગાડી કાચની શો-કેસમાં જોયા કરે,
ઝૂંપડીના બાળ માટે તો પરાયાં રમકડાં.
મોટપણ આવ્યું, પછી તો ફોન-ગાડી-બંગલા,
ને ઘરોમાં ખૂબ મોંઘાં એ ભરાયાં રમકડાં.
આ ‘પરાગે’ શબ્દને માટી ગણી ખેલ્યો સદા,
એટલે ગઝલો નહીં, પણ આ ઘડાયાં રમકડાં.
– પરાગ રતનપરા
#ગઝલ #બાળપણ #રમકડાં #ગરીબી #મોટપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Toys #Childhood #PovertyAndPlay #GrowingUp #ParagRatanpara