રક્તમાં
એ ગયાં ને રહી લાગણી રક્તમાં,
મા તણી સાચવી ઓઢણી રક્તમાં.
ખેતરો તો ગયાં, હું ગયો દૂર પણ,
બાપની ઊગતી વાવણી રક્તમાં.
જે કદી ના કહી હોઠથી, એ હજી
મૌન થઈ ગુંજતી માંગણી રક્તમાં.
બાપ સરહદ ઉપર જઈ થયા ખાક, ને
આજ પણ ગાજતી છાવણી રક્તમાં.
આ પરાગે ભલે બાગ છોડ્યો, છતાં
ફૂલની મ્હેકની રોપણી રક્તમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વારસો #મૂળ #માબાપ #શહીદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Heritage #Roots #ParentsLegacy #MartyrsSon #ParagRatanpara