રજા
ઑફિસમાં
વરસની ત્રીસ રજા મળે છે,
તહેવારોની અલગ,
માંદગીની અલગ.
પણ ઘરમાં
‘આજે રસોઈ નહીં બનાવું’
એ રજાની અરજી
બાએ
પચાસ વરસમાં
એક વાર પણ મૂકી નથી.
તાવ હોય તો ય
ખીચડી તો બને,
દીકરાની પરીક્ષા હોય તો
રાતે ચા બને,
ને પોતે ઉપવાસ હોય તો
બધાંનું ભાણું
પહેલાં બને.
ન પગાર,
ન બોનસ,
ન પેન્શન.
પ્રમોશનમાં
મળ્યું છે
ખાલી
એક પદ —
‘બા’.
– પરાગ રતનપરા