રહીને પણ
કદી ના આપણે મળિયાં, વરસ સાથે રહીને પણ,
અજાણ્યાં જેમ જીવ્યાં, હાથ લઈ હાથે રહીને પણ.
તમારા નામનું સિંદૂર ભરતી રોજ સેંથીમાં,
છતાં તમને ન દેખાયું, તમે માથે રહીને પણ.
પથારી એક, ને સપનાં અલગ રસ્તે ભટકતાં’તાં,
બરફની બે શિલા જેવાં, ભરી બાથે રહીને પણ.
અમારો ફોન બોલે છે, અમે બોલ્યા વગર જીવ્યાં,
પથારીમાં ય ‘મેસેજે’ જ, સંગાથે રહીને પણ.
પરાગે ફૂલ ને ભમરો જ જોયાં જિંદગી આખી,
ન મળ્યાં એ, વસંતોની સદા ગાથે રહીને પણ.
– પરાગ રતનપરા
#ગઝલ #દાંપત્ય #અંતર #એકલતા #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #DistantTogether #MarriageSilence #Loneliness #ModernLove #ParagRatanpara