રબર
નિશાળમાં
મારી પાસે
એક રબર હતું —
ગુલાબી, સુગંધીવાળું.
‘ક’ વાંકો લખાય
તો ભૂંસી નાખું.
દાખલો ખોટો પડે
તો ભૂંસી નાખું.
ચિત્રમાં સૂરજ
કાળો થઈ જાય
તો ભૂંસી નાખું.
મોટો થયો.
એક વાર
બાને
ગુસ્સામાં
એક શબ્દ કહી બેઠો.
આખું ઘર ફંફોસ્યું,
દફતરનાં બધાં ખાનાં ખોલ્યાં —
રબર ન જડ્યું.
બા તો
એ જ સાંજે
મને ભાવતી ખીચડી
બનાવીને બેઠી હતી.
ત્યારે સમજાયું —
માનું મન
રબર કરતાં વધુ
ભૂંસી જાણે છે,
પણ
મારું મન
હજી
એ શબ્દ પર
અટકેલું છે.
– પરાગ રતનપરા